Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મગર અને વાંદરો
Detail
મગર અને વાંદરો એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે - રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં! મગર કહે - તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી કહ્યું - જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો - વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ! ચાલો, તમારો આટલો પ્રેમ છે તો…ના કેમ પડાય! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો. વાંદરો કહે - મગરભાઈ! તમે પણ ખરાં છો! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને! મારું કાળજું તો હું આજે જ સાફ કરીને ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ! મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે - મૂરખ મગર! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો? જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહિ અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.
CANCEL